અલી ગુમિલિયા બેકર | Knowledge of Trees

By and | 1 October 2016

Translated from the English to the Gujarati by Rupalee Burke

રીવર ગમ વૃક્ષો, મહાકાય પ્રાચીન કાયાઓ, શ્વેત લોકો આ ભૂમિ પર આવ્યા તે પૂર્વેના છે. એડલેડમાં કૌરના ભૂમિ પરના અમુક વૃક્ષો અસ્તિત્વ ખોઈ બેઠેલી નદીના કિનારે ઊભા છે, જે નદીઓને વરસાદી પાણીના નિકાલ માટેની કાંકરેટની ગટરોમાં ફેરવી દેવાઈ છે. આમાંના અમુક વૃક્ષોના નામ આ સમયના પહેલાંના સમયના છે. એક વખત એવો હતો જ્યારે ઘણાં લોકોને આ વૃક્ષ કે પેલા વૃક્ષનું નામ ખબર હોતું હતું. આ પરિવેશમાં વૃક્ષો હવે પારકાં છે. એમની નજીક રહેનારાને દુનિયામાં એમનાં દીર્ઘ અસ્તિત્વની ના તો જાણ છે ના કલ્પના.

આ છે ગાંઠોવાળા, જાડા જાડા થડ વાળા પુરાણા ગમ વૃક્ષો. જો તમે બધાં હાથ લાંબા કરી હાથ-સાંકળ બનાવો તો વૃક્ષ કેટલાં વર્ષ જુનું છે તેનો કદાચ અંદાજ લગાવી શકો. એમને ચંપઈને એમની પ્રાચીન ઉર્જા ગ્રહણ કરવાનો લ્હાવો કંઈક ઔર જ છે.

આધુનિકતા સાથે આવેલી તમામ ભયાનકતાના સાક્ષી બનેલાં છે આ વૃક્ષો.

વૃક્ષોનાં નામનાં જ્ઞાનથી હું આશા અનુભવું છું. વૃક્ષોની જાતો કે પ્રકારોના નામ નહીં પરન્તુ વ્યકિતગત નામ આપેલાં પુરાણા વૃક્ષો. તમે પેઢીઓથી અહીં હોવ તો તમે જાદુઈ નામનાં હક્કદાર છો. પરિવેશમાં સ્થિર ઊભેલાં આ જીવો.

એમના રહેઠાણના સ્થળની આજુબાજુ એવી પ્રાચિનતા વર્તાતી હતી કે તમને માથું ઢાળી દેવાની ઈચ્છા થઈ આવે. અગત્યની વિધિનું એ સ્થળ હતું. અમે જે વૃક્ષોથી ગહેરાયેલાં હતાં એ એટલાં વયોવૃધ્ધ હતાં કે જોનાર સ્તબ્ધ થઈ જાય. વૃક્ષો એટલાં તો વિશાળ કે પક્ષીઓના આખાને આખા ઝૂંડ વિસામો કરી શકતાં. સૂર્યાસ્ત ટાણે અને વળી પાછા સૂર્યોદય વખતે મોટા તીણા અવાજે વાતાવરણ ગજવતાં આ પક્ષીઓ.

ઍરપોર્ટની પડખેની ફાજલ જમીન એને ખુબ ગમતી. અવકાશની અનુભૂતિ વચ્ચે અને નાનકડા શહેરની પાશ્ચાદભૂમાં દૂર દેખાતાં ડુંગરા અેને અતિ પ્રિય હતાં. આકાશ કેટલું વિશાળ હતું. અહીં ધરતી કરતાં આકાશનો વિસ્તાર વધુ હતો, એની નાન જ્યાંના હતાં એ સ્થળ જેવું.

એક યા બીજા કારણે ભુલાઈ ગયેલા સ્થળોમાંનું આ એક હતું, ભારે અવરજવર વાળા ચાર રસ્તાની મધ્યે કાંકરેટ પાથરેલી જમીનના ટૂકડાં જેવાં, ધૂળવાળા અને પ્રદૂષિત. એની ફરતે ક્યારેક જુની ખાડી હતી જેને પછીથી કાંકરેટ વાપરીને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં ફેરવી નાખી હતી. ગટર ખાડીની બીજી તરફ હાઈવે હતો જ્યાં ગાાડીઓ તેમના મૂળ ગંતવ્યના માર્ગથી પુર ઝડપે પર્યટક સમુદ્ર કિનારે કે વળતર આપતી દુકાનો તરફ આવ-જા કરતી હતી.

ડામર-કપચી પર ગાડીઓની આવનજાવન અને પવનના કારણે ઊપર રેઝર વાયર બાંધેલી સાયક્લોન વાડ સામે કચરો જઈ અથડાતો હતો. સુકાઈ ગયેલી માટીમાં નિંદામણ ઊગી નિકળ્યુ હતું. આ સ્થળ નજીક આવતાં મોટા ભાગનાં લોકો ક્યાંક જવા મુસાફરી કરી રહ્યાં હોય, કોઈક વધુ મોટા, વધુ મહત્વના, વધુ સુંદર સ્થળે પહોંચવાની કલ્પના કરતાં, પોતાની પેટીઓ સાચવતાં, એકબીજા સામે સહેજ ગભરાટમાં નજર કરતાં હવાઈ માર્ગે જવાની રાહ જોતાં હતાં. અનાસક્તિ કેળવવાના આશયથી તળેની જમીન વિશે વિચાર કરવાનું તેઓ ટાળતા હતાં. હવાઈજહાજો ઉડાન ભરતાં હતાં અને ગાડીઓ ઊભી રાખવાના નાનકડા ચોખટાઓમાં ગાડી ઊભી રાખી લોકો દ્રશ્ય માણતાં હતાં.

ઍરપોર્ટના છેડાની જમીન ઘણાં સમયથી પ્રેમ વિહોણી રહી હતી.

સાંસ્કૃિતક વિચારકો કદાચ વચલા ગાળાને વ્યાપ્તતા અવકાશ તરીકે વર્ણાવે અેવી એ જગ્યા હતી, શ્વાસ લેવાની તૈયારી રૂપે ફેફસાને ઝીલી રાખતા પોલાણ જેવી. એક અને બીજી જગ્યા વચાળની. બે ભાષાઓ વચ્ચેની ગલીયારી સમી, જાણે અનુવાદનો અવકાશ.

એ યુવાન મહિલાને લાગ્યું કે આ સ્થળ સાથે એ નાતો બાંધી શકે એમ છે, ઉપેક્ષિત પરન્તુ ગજબ મત ધરાવતું, પડતું મુકાયેલું માત્ર કલ્પના દ્વારા એવું સ્થળ. બોદ્રીયારે એને વાસ્તવનું રણ કહ્યું હતું. કિનારેથી કોહવાતું.

નકામી જગ્યા, ઘર કહીને ફરીથી પ્રેમ કરવાની જગ્યા.

 


This entry was posted in 76: DALIT INDIGENOUS and tagged , . Bookmark the permalink.

Related work:

Comments are closed.