My Poetry | મારી કવિતા

By and | 1 October 2016

મારી કવિતા
એનાં ગંદા વસ્ત્રોમાં
મારા જેવી જ કંગાળ
હજી એ ઝંખે છે સ્વીકૃતિ
મેગેઝિનનાં રેશમી ચીકણા
પાનાંઓની
હજી એ વાંકદેખી દ્રષ્ટિએ જોવાયેલી
આંખ આડા પડળથી
હજી એ અદીઠ
સંભળાયા વિનાની
પડી છે અર્ધચેત

મારી કવિતા
મારા જેવી ગામઠી
ઊભી છે
ઇન્ડિયન લિટરેચરના
ઉંબરે
હજી યે
અન્ય પરિધાન માટે
પ્રતિબંધિત
મારા આક્રોશમય
ચહેરા જેવી
તાંબાળી લાલ
ઊભી છે દૂર
એકલી
બહિષ્કૃત

મારી કવિતા
મારા જેવી જ ગાંડીઘેલી
રખડે છે ચાલીમાં
મહોલ્લામાં અને ચોરાહા પર
અને ગંદી ઝૂંપડીઓમાં
દૂરના ઉવેખાયેલા
અણવિકસિત ગામડા જેવી
નોકરશાહ બાબુ સંસ્કૃતિથી
ઉવેખાયેલ મારી કવિતા

મારી કવિતા
મારી જીભ જેવી જ
અસભ્ય
અને મારા જેવી જ
અસ્પૃશ્ય
સભ્ય સુસંસ્કૃત
સાફસુથરા વિવેચકો દ્વારા
મૂકી દેવાયેલી બાજુ પર
ભૂલાયેલી
તરછોડાયેલી
મારી કવિતા

This entry was posted in 76: DALIT INDIGENOUS and tagged , . Bookmark the permalink.

Related work:

Comments are closed.